ડુમ્મસ રોડ પરથી કાંદી ફળીયા વિસ્તારમાં રાત્રે સોનાના સિક્કા પડ્યા હોવાની વાતથી લોકોમાં ભારે કુતુહલ સર્જાયું છે. વાત જેમજેમ પ્રસરતી ગઈ એમ રાતભર લોકોના ટોળાં બહાર જોવા મળ્યા હતા. લોકોને મળ્યા તો પણ એ પિત્તળના સિક્કા હતા, જે સિક્કા કોઈ ધાર્મિક વિધિના હોવાની શંકાથી તરેહ-તરેહની વાતો ફેલાઈ હતી. શંકાસ્પદ અને ગેબી પ્રવૃત્તિ અંગે ડુમ્મસમાં આસપાસના લોકો એમ પણ વખતોવખત ગભરાતા હોય છે ત્યારે આ માહોલમાં આ કિસ્સાએ ફરી એક ડરનું વાતાવરણ ફેલાવ્યું છે.

ડુમ્મસ રોડ પર રહેતા નરેશભાઈના જણાવ્યા અનુસાર સુરતના ડુમ્મસ રોડ પર સોનાના સિક્કા મળ્યાની ચર્ચાએ આ વિસ્તારમાં જબરદસ્ત જોર પકડ્યું હતું. અડધી રાત્રે લોકોએ સોનાના સિક્કા શોધવા દોડ લગાવી હતી. સમગ્ર ડુમ્મસમાં વહેલી સવાર સુધી સિક્કા શોધવા નીકળ્યા હતા.
બન્યું એમ હતું કે રાત્રે ભોજન બાદ કાદી ફળિયાના કેટલાક યુવકો ચાલવા નીકળ્યા હતા, એ સમયે તેમને રસ્તા પરથી કેટલાક ચમકદાર સિક્કા મળી આવ્યા હતા. આ સિક્કા સોનાના હોવાનું માની ઘરે લઈ ગયા બાદ પરિવારને બતાવ્યા હતા. ઘટનાની ગણતરીની મિનિટોમાં જ રોડ ઉપરથી સોનાના સિક્કા મળી રહ્યા હોવાની વાતો વાયુવેગે ફેલાઈ ગઈ હતી. લોકો રાત્રે અંધારામાં ટોર્ચ લઈ રોડ ઉપર સોનાના સિક્કાની શોધવા નીકળી પડ્યા હતા. ગુરુવારે સાંઈબાબાના આશિર્વાદ ફળશે એવી આશાથી ગામવાસીઓ સૂર્યોદય સાથે જ ફરી રોડ ઉપર સોનાના સિક્કાની શોધખોળ નીકળી પડ્યા હતા. જોકે તેમને સફળતા મળી ન હતી પરંતુ જેમજેમ વાતો પ્રસરતી ગઈ તેમ તેમ નસીબ અજમાવવા લોકોના ટોળા રાતભર રસ્તા પર દોડતા જોવા મળતા હતા.
આ પણ વાંચો : રામ મંદિર બાદ નવા સંસદ ભવનની ડિઝાઇન પણ તૈયાર કરી એક ગુજરાતીએ
સવાર સુધી કોઈને પણ સિક્કા ન મળ્યા બાદ જે લોકોને સિક્કા મળ્યા હતા તેઓની વાતો પર ધ્યાન કેન્દ્રિત થયું હતું. કોઈ તત્વોએ ચોખાની થેલીમાં કેટલાક પિત્તળના સિક્કા નાખી રોડ ઉપર ફેંકી દીધા હોય તેવી ચર્ચા થઈ રહી છે. શકે છે. કોઈ ધાર્મિક વિધિમાં લઈ જવાતા સિક્કાવાળી થેલી પડી ગઈ હશે એ શક્યતા બાદ લોકોમાં એવી વિધિ બાબતેનો ગભરાટ ચર્ચાનો વિષય બની ગયો છે. વખતોવખત ગેબી અને રહસ્યમય હરકતો આ વિસ્તારમાં એમ પણ લોકોને સતાવતી હોય છે ત્યારે આ પ્રકરણના તથ્યો ઉજાગર થાય એ આ વિસ્તારના લોકોની માંગણી છે.
