હાલનો આ કાયદો તા.5 નવેમ્બર–2019ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળ્યેથી ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના ગેઝેટમાં પબ્લિશ થયા બાદ અમલમાં મુકવામાં આવ્યો. હાલનો આ કાયદો લોકલ એકટ છે અને તે ગુજરાત રાજય પુરતો તેનો અમલ કરી શકાશે.
શું કહે છે જોગવાઈ
કલમ–2 માં હાલના આ કાયદા સંદર્ભે વ્યાખ્યાઓ આપવામાં આવેલ છે. કલમ–2(C)માં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં કોઈપણ ગુનેગારે કોઈ અપરાધ કર્યા હોય કે જેમાં સજાની જોગવાઈ 3 વર્ષ કે તેથી વધુની હોય અને તેવા અપરાધોમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થઈ હોય તેવા એક કરતા વધુ અપરાધો હોય તો તેવા ગુનેગારો ઉપર હાલના આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકશે.
સેકશન 2(E) માં સંગઠિત ગુનાની જે વ્યાખ્યા આપવામાં આવેલ છે તે મુજબ વેશ્યાવૃત્તિ અને માનવ તસ્કરી, જુગાર ધારા હેઠળના ગુના, સાઈબર ક્રાઈમ, ફાઈનાન્સીયલ અપરાધો, કોન્ટ્રાકટ કિલીંગ, એકસ્ટોર્સન વિગેરે અપરાધો માટે ગુનેગારો ઉપર હાલના કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાશે. કલમ–2(G) માં સ્પેશીયલ કોર્ટ બનાવવા અંગેની ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે. જેથી કરીને કાયદાની પ્રક્રિયા સરળતાથી ચાલતી રહે. સજાની જોગવાઈ હાલના આ કાયદાની કલમ–3 માંની પેટા કલમ–1માં જણાવવામાં આવ્યું છે કે આતંકવાદી કૃત્ય કરતી વખતે કોઈ વ્યકિતનુ મૃત્યુ થાય તો આરોપીને મૃત્યુ દંડ અથવા તો આજીવન કેદની શિક્ષા અથવા રૂા.10,00,000/– કરતા વધુ રકમની દંડની રકમની જોગવાઈ કરવામાં આવેલ છે તેમજ જો આતંકવાદી કૃત્યના પરીણામ સ્વરૂપે જો કોઈ વ્યકિતનુ મૃત્યુ ન થયુ હોય તો તેવા અન્ય કિસ્સાઓમાં ઓછામાં ઓછી પાંચ વર્ષથી લઈને જન્મટીપની સજા તેમજ આરોપીને રૂા.5,00,000/–કરતા વધુનો દંડની સજાની જોગવાઈ રાખવામાં આવેલ છે.
કાયદાની કલમ–4 માં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે, કોઈ ગુનેગાર ધ્વારા બેનામી મિલકતો ખરીદ કરવામાં આવેલ હોય તો તેવી મિલકતો સરકાર જપ્ત કરી શકશે. તેમજ ઓછામાં ઓછી 3 વર્ષની સજાની જોગવાઈ રાખવામાં આવેલ છે.
કાયદાની કલમ–14માં જણાવેલ બાબતો અંગે જણાવવાનું કે, ઈલેકટ્રોનિક એવીડન્સ યાને કે ટેલીફોન ઉપર થતી વાતો, ધજબતકબ.. અને ફેસબુક જેવી મેસેજીંગ એપ્લીકેશન ધ્વારા કરવામાં આવેલ વાતચિતોને પોલીસ તેમજ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ ઈન્ટરસેપ્ટ કરી શકશે યાને કે વોટસએપ અને ફેસબુક ઉપર થતી વાતચિતો પોલીસ તેમજ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ જાણી શકશે અને આ તમામ સંદેશા વ્યવહારને પુરાવા તરીકે નામદાર કોર્ટમાં રજુ કરી શકશે.
અગાઉ શું હતી સ્થિતિ
ખરેખર, હાલનો આ કાયદો અમલમાં આવ્યો તે પહેલાની સ્થિતિ એવી હતી કે પોલીસે નામદાર કોર્ટ સમક્ષ તમામ વિગતો રજુ કરવી પડતી હતી કે તેઓએ મોબાઈલ ફોનને લગતી વિગત તેમજ કોલ લોકેશન જેવા પુરાવાઓ કઈ રીતે એકત્રિત કર્યા છે અને શું તમામ પુરાવાઓ કાયદેસર રીતે એકત્રિત કરવામાં આવ્યા છે કે નહીં. પરંતુ હવે પોલીસ અને કાયદો વ્યવસ્થા જાળવતી તમામ એજન્સીઓએ કોઈપણ પ્રકારનો ખુલાસો આપવાની જરૂરીયાત રહેશે નહીં અને કોઈપણ વ્યકિતના મોબાઈલ ફોન અને મેસેજીંગ એપ્લીકેશનની તમામ વિગત મેળવી શકશો. આ બાબત ખુબ જ ગંભીર છે અને તમામ નાગરીકોની ગોપનિયતા આનાથી જળવાતી નથી કારણ કે કાયદો અને વ્યવસ્થાના નામે કોઈપણ વ્યકિતનુ ઈલેકટ્રોનિક સર્વેલન્સ કરવામાં આવે અને પાછળથી તેનો દુરઉપયોગ કરી શકાય કારણ કે જરૂરી નથી કે ઈલેકટ્રોનિક સર્વેલન્સ કર્યા બાદ એફ.આઈ.આર. કરવી જ પડે કે કોર્ટને વિગત રજુ કરવી જ પડે. એફ.આઈ.આર. ન પણ થાય.
નોંધ : કાયદામાં એવી જોગવાઈ કરવાની જરૂરીયાત હતી કે કાયદા અને વ્યવસ્થા માટે પોલીસ જો કોઈપણ વ્યકિતના મોબાઈલ ફોન કે ઈલેકટ્રોનિક ડિવાઈસને સર્વેલન્સ હેઠળ મુકે તો તે અંગેની જાણ 24 કલાકની અંદર સ્પેશીયલ કોર્ટને કરવી જોઈએ કારણ કે, જો આવું ન થાય તો કાયદો અને વ્યવસ્થાના નામે કોઈપણ નાગરીકના અંગત બાબતોમાં દખલ અંદાજી થઈ શકે અને ગોપનિયતા જળવાય નહીં. કાયદામાં હાલની આ જોગવાઈઓ રાખવા પાછળના હેતુઓ અને ઈરાદાઓ ઉપર કોઈ શંકા ન હોય શકે અને હાલના આ કાયદા થકી સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવી સ્પષ્ટ ભાવના સરકારની છે તેવું દેખાય આવે છે. તેમ છતાં થોડી તકેદારી રાખવામાં આવી હોત તો સારૂં થાત.
કાયદાની કલમ–16 મુજબ પોલીસ અધિકારી રૂબરૂ કરવામાં આવેલ કબુલાતને કોર્ટમાં માન્ય ગણવામાં આવશે. જે બાબત ખુબ જ ગંભીર છે. ફોજદારી કાયદામાં પાયાનો સિધ્ધાંત એવો છે કે 100ગુનેગારો બચી જાય, પરંતુ 1 નિર્દોષને સજા થવી જોઈએ નહીં કારણ કે ફોજદારી કાયદો એ ફોજદારનો કાયદો કહેવાય છે. જો ફોજદાર કોઈ નિર્દોષ વ્યકિતને ખોટા કેસમાં ફસાવી દે તો તેવા નિર્દોષ વ્યકિત વિરૂધ્ધ પુરાવો રજુ કરવાની જવાબદારી પણ પોલીસ અધિકારીના માથે નાંખવામાં આવી છે. પરંતુ આ કાયદા હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ વ્યકિત જો પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી રૂબરૂ કોઈ કબુલાત કરે તો તેને પુરાવા તરીકે આરોપીની વિરૂધ્ધ ગ્રાહ્ય રાખવામાં આવશે. ફરીવાર જણાવવાનું કે, નામદાર હાઈકોર્ટો અને નામદાર સુપ્રીમ કોર્ટ ધ્વારા અનેક જજમેન્ટો આપવામાં આવ્યા છે જેમાં પોલીસની કાર્યપ્રણાલીની ટીકા કરવામાં આવેલ છે અને પોલીસ રીફોર્મ્સ અંગે જણાવવામાં આવ્યું છે.
જનતાએ જાણવા જેવું
જાહેર જનતાને જણાવવાનું કે, કાયદાની અમુક જોગવાઈઓ અંગે કાયદાના જાણકારો મતમતાંતરો હોવા છતાં સંગઠિત ગુનેગારો અને રીઢા ગેનેગારોની લગામ કસવા માટે હાલનો આ કાયદો ખુબ જ મદદગાર રહેશે કારણ કે હાલના આ કાયદામાં જે ચેકસ એન્ડ બેલેન્સીસ રાજય સરકાર ધ્વારા રાખવામાં આવ્યા છે તે ખુબ જ સરાહનિય છે કારણ કે પોલીસ કમીશનર અથવા તો ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસની પરવાનગી વગર એફ.આઈ.આર. રજીસ્ટર થઈ શકશે નહીં તેમજ રાજય સરકારની પણરવાનગી વગર કોઈપણ આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરી શકાશે નહીં. તે ઉપરાંત આરોપીની પોલીસ કસ્ટડી અને જયુડિશીયલ કસ્ટડી પણ વધી જશે અને જામીન મળવાની શકયતાઓ પણ ખુબ જ ઘટી જશે અને તેવું થવાથી રીઢા ગુનેગારો વિરૂધ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી શકશે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસને આ કાયદો ખુબ જ મદદગાર થશે. તેવું માનવામાં આવી રહયું છે અને તેનાથી સામાન્ય જનતાને ખુબ જ લાભ થશે.