આજે શુક્રવારે એકાદશીની રંગારંગ ઉજવણી કરવામાં આવશે. હિન્દુ સમુદાયમાં ભારે મહત્વ ધરાવતી દેવઊઠી એકાદશી દરમિયાન શહેરનાં મંદિરોમાં તુલસી વિવાહની ઉજવણી સાથે જ હિન્દુ ચાતુર્માસની પણ ધાર્મિક રીતે પૂર્ણાહુતિ થશે. જ્યારે ચાર મહિનાના વિરામ બાદ લગ્ન સહિતના માંગલિક કાર્યોનો શુભારંભ થશે. તુલસી વિવાહ અને પ્રબોધિની એકાદશી સાથે જોડાયેલી ગાથાનું હિન્દુ સમુદાયમાં ભારે મહત્વ આંકવામાં આવતું હોય મંદિરોમાં તેની રોનક જોવા મળશે.

વર્ષના સૌથી મોટા પર્વ દિવાળીમાં મહત્વના દિવસોમાં દેવઊઠી એકાદશીનું પણ અનેરું મહત્ત્વ છે. દેવઊઠી એકાદશી સાથે જ ચાર મહિનાના હિન્દુ ચાતુર્માસ પણ પૂરા થાય છે. શાસ્ત્રી ડો. કર્દમ દવેએ જણાવ્યું હતુ કે, કારતક સુદ અગિયારસના શુક્રવારે દેવપ્રબોધિની અથવા તો દેવઊઠી અગિયારસ મનાવાશે. દેવપ્રબોધિની એકાદશી સાથે હિન્દુ ચાતુર્માસની સમાપ્તિ થશે અને લગ્નસરાનો પ્રારંભ થશે. આ પૂર્વે બરાબર ચાર માસ પહેલા અષાઢ સુદ અગિયારસે વિષ્ણુ ભગવાન પોઢે છે. જેથી તેને દેવપોઢી અગિયારસ કહેવાય છે.

દેવઊઠી એકાદશીથી દેવદિવાળી સુધીના દિવસોમાં તુલસી વિવાહ થાય છે. ચાતુર્માસ દરમિયાન માંગલિક કાર્યોનો નિષેધ હોય છે. ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું ફેરળે છે અને કારતક સુદ એકાદશીએ ભગવાન જાગે છે. જેમાં વિષ્ણુ ભગવાન (શાલિગ્રામ) અને તુલસી માતાના વિવાહને કારણે આ દિવસે તુલસી ચઢાવવાનો નિષેધ છે. જેથી આ દિવસે બીલીપત્ર ચઢાવવામાં આવે છે. આ દિવસે વિધિવત વિષ્ણુ ભગવાન અને તુલસીના લગ્ન કરવામાં આવે છે. દેવઊઠી એકાદશીએ હિન્દુ ચાતુર્માસ પૂરા થતા હોવા છતાં લગ્નનું પહેલુ મુહૂર્ત ૨૦ નવેમ્બરના રોજ છે.