દુનિયાભરમાં ફેલાઈ ગયેલી મહામારીમાંથી ઉગરવા માટે દરેક વૈજ્ઞાનિકો પ્રયાસો કરી રહ્યા છે. ઘણા દેશોએ દાવો પણ કર્યો છે કે તેઓ કોરોનાની રસી શોધવાના અંત સુધી પહોંચી ચૂક્યા છે અને ટૂંક સમયમાં તેનું ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવશે, પરંતુ શું માત્ર રસી શોધાઈ જવાથી કોરોના સામેનો જંગ આપણે જીતી જઈશું?
ગયા મહિને ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે આફ્રિકાના 41 દેશોમાં માત્ર 2 હજાર વેન્ટિલેટર છે, આફ્રિકામાં એવા પણ દેશો છે, જ્યાં વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ જ નથી, જ્યારે અમેરિકામાં 1 લાખ 70 હજાર જેટલા વેન્ટિલેટર્સ છે. દુનિયાના એક્સપર્ટ્સને ચિંતા છે કે દર વખતની જેમ આફ્રિકા જેવા દેશો કોરોનાની રસીથી વંચિત ના રહી જાય.
એક્સપર્ટ્સનું માનવું છે કે જે રીતે હાલમાં મહામારી આખી દુનિયામાં ફેલાયેલી છે તે જોતા તેની વેક્સિન બનવામાં ઘણો સમય લાગી શકે તેમ છે. અને જો કોઈ દેશને તેમાં સફળતા મળશે તો પણ તે દુનિયાના દેશો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવશે તે એક સવાલ છે. ઘણાનું કહેવું છે કે કોરાનાની વેક્સિન માટે દેશો રાષ્ટ્રવાદી વલણ અપનાવી શકે તેવું લાગે છે. તેવા સમયે ખાસ કરીને ગરીબ દેશોને વેક્સિન મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
વિકાસશીલ દેશોને વેક્સિન બનાવવામાં મદદ કરતી સંસ્થા ‘ગવિ’ના સીઈઓ સેથ બર્કલીનું કહેવું છે કે, કોરોના એક વૈશ્વિક મહામારી છે, માટે દેશોએ પોતાના વિશે વિચારવા કરતા આખી દુનિયામાંથી તેમનો ખાતમો કેવી રીતે કરી શકાય તે શોધવું જોઈએ. દુનિયાના જાણીતા વેક્સિનોલોજીસ્ટ એડ્રિયન હિલના પ્રમાણે સપ્ટેમ્બર મહિના સુધીમાં વિશ્વને ઓક્સફોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન મળી જશે અને ભારતને પણ આ વેક્સિન મળશે તેવી આશા છે.