ચાઈનાની કંપનીઓ સામે વિવિધ કંપનીઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હાલમાં સિંગાપોર બેઝ ગણાતી ઈ-કોમર્સ (E-Commerce) કંપની શોપી (Shopee) ઇન્ડિયાએ ભારતમાં કોમર્શિયલ ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરતાં સુરતના 3000 સેલરના જીવ તાળવે ચોંટ્યા છે. કારણ કે, Shopeeએ કોમર્શિયલ ઓપરેશન બંધ કરતાં રિટર્ન પાર્સલ નહીં આવે તો સેલરને લાખોનું નુકસાન થશે એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
સુરતમાં Shopeeના સેલર વર્ષે 25 કરોડનો વેપાર ધરાવે છે. વર્લ્ડની ટોપ 5 ઇ-કોમર્સ કંપનીઓ સુરતમાં 60,000થી વધુ સેલરોની સંખ્યા ધરાવે છે. સુરતથી જુદા જુદા દેશોમાં અને ડોમેસ્ટિક લેવલે કાપડ, સાડી, બુરખા, કુર્તી, ઈમિટેશન જ્વેલરી, ઈલેક્ટ્રિક-ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ, હોમ કિચન એસેસરીઝ, મોબાઈલ, મોબાઈલ એસેસરીઝ, એફએમસીજીની પ્રોડક્ટનું વેચાણ થાય છે.

બીજી તરફ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ શોપીના ભારત છોડવાના નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે જે પણ કંપની ભારતના સાર્વભૌમ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને ભારતમાંથી એકત્ર કરવામાં આવેલા ડેટાનું ઉલ્લંઘન કરે છે તે પણ શોપીના નિર્ણય માટે જવાબદાર રહેશે.
દેશમાં એવી બીજી ઘણી વિદેશી કંપનીઓ છે જે ભારતીય કાયદાઓ સાથે ખેલ ખેલી રહી છે અને વિવિધ પ્રકારની ગેરરીતિઓમાં સંડોવાયેલી છે, CAITના બી.સી.ભરતિયા, પ્રવીણ ખંડેલવાલ અને પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે, CAITએ 16 સપ્ટેમ્બર-2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર મોકલ્યો હતો, જેમાં SEA જૂથની માલિકીની શોપી સામે પગલાં લેવામાં આવ્યાં હતાં. શોપીમાં ચીનનું જંગી રોકાણ છે.