સુરતમાં ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસીએશન (ફોગવા) ના નવા કાર્યાલયનું ઉદઘાટન બુધવારે કરવામાં આવ્યું છે. સુરતના વીવર્સ ટેક્સટાઇલ માર્કેટોમાં કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા ઉઠમણાના નામે કરવામાં આવતી છેતરપિંડીથી પરેશાન છે ત્યારે ફોગવા દ્વારા વીવર્સના હિતમાં મહત્વની શરૂઆત કરતાં વીર્વસની નોંધણી શરૂ કરવામાં આવી છે.
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, માર્કેટોમાં કેટલાંક સમયથી વેપારીઓના નામે ચીટરો દ્વારા ઉઠમણાની છેતરપિંડીથી વીવર્સ હેરાન પરેશાન થઇ ગયા છે. ખાસ કરીને આયોજનબદ્ધ રીતે ઉઠમણા કરનારા કેટલાક તત્વોના આ ષડયંત્રની વાત ફોગવા સુધી પહોંચ્યા બાદ એક યાદી તૈયાર કરીને પોલીસ કમિશનરને ગત સપ્તાહે આપવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલે ખાનગી રાહે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. . લાંબા સમયથી બાકી પેમેન્ટને લઈને વીવર્સ અને વેપારી વચ્ચે ચાલી રહેલી હેરાનગતિનો અંત લાવવા હવે વેપારીનું રેફરન્સ આપનારની જવાબદારી નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ યાદીમાં નોંધાયેલા 125 વીવર્સના 280 કરોડ કઢાવવા વેપારીઓનો રેફરન્સ શોધાશે

બીજી તરફ ફોગવાદ્વારા હવે નવેસરથી પણ સભ્ય નોંધણી શરૂ કરવામાં આવી છે આગામી દિવસોમાં ફોગવા દ્વારા નવુ સંગઠન ઉભુ કરીને ટેક્સટાલ માર્કેટમાં વીવર્સ સારી રીતે વેપાર કરી શકે એવો માહોલ બનાવવામાં આવશે. સાથો સાથ ઉઠમણાના નામે વીવર્સની પરસેવાની કમાણી લુંટી જનારી ચીટર ટોળકીના મહોરાઓ સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. વેપારી સંગઠનો દ્વારા પણ ફોગવાને તમામ સ્તરે મદદરૂપ થઇ અને આવા તત્વો સામેની લડતમાં સહકાર આપવાનું જણાવ્યું છે.
નવા કાર્યાલયના ઉદઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતી, તેમજ ઉપ પ્રમુખ હિમાંશુ બોડાવાલા સહિત વીવર્સ અગ્રણીઓ સહિત ભરતભાઇ ગાંધી, વેપારી સંગઠનના અગ્રણી સાવર પ્રસાદ બુદીયા, વેપારી સંજયભાઈ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.