સમુદ્રનું મહત્ત્વ અને તેને કારણ આવનારી મુશ્કેલી અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે દુનિયાભરમાં દર વર્ષે 8 જૂનના રોજ વર્લ્ડ ઓશન ડે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ મહાસાગરના સકારાત્મક અને નકારાત્મક પહેલુ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણીના ભાગરૂપે લોકો દરિયા કિનારાની સફાઈ અને તેની સાથે જોડાયેલા અન્ય કાર્યોમાં ભાગ લે છે. આ દિવસે દુનિયાભરમાં સમુદ્ર જીવનને નુકસાન પહોંચાડતા કામો જેવા કે ઓઈલ ટ્રેડિંગ અને પ્લાસ્ટીક પ્રદૂષણને ખતમ કરવા માટે રેલીઓ કાઢવામાં આવે છે.

મહાસાગર આપણને ઓક્સિજન, ભોજન અને હવા આપે છે, જે આપણા વાતાવરણને સ્થિર રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં પરંતુ સમુદ્ર એવા ઘણા દરિયાઈ જીવોનું ઘર છે, જે જે પૃથ્વીને રહેવા માટેનું સુંદર સ્થળ બનાવે છે. પરંતુ માનવોની કેટલીક ભૂલ અને લાપરવાહીને લીધે આજે દરિયાઈ જીવોનું અસ્તિત્ત્વ જોખમમાં મુકાઈ ગયું છે, જે તેમની સાથે આપણા જીવન માટે પણ સારી વાત નથી.
એક રિપાર્ટના કહેવા પ્રમાણે, દર વર્ષે આશરે આઠ મિલીયન મેટ્રીક ટન પ્લાસ્ટીક દરિયામાંથી કાઢવામાં આવે છે. પ્લાસ્ટીક એક એવું મટીરીયલ છે જે વર્ષો સુધી એમનું એમ રહે છે અને તેને લીધે સમુદ્રમાં પ્રદૂષણ ફેલાય છે. નોર્થવેસ્થ પેસેજ અને આર્કટીકનો ઘણો ભાગ સમુદ્રી પ્રદૂષણનો ભોગ બની ચૂક્યો છે.

સમુદ્રમાં તરતા પ્લાસ્ટીકને લીધે દર વર્ષે એક મિલીયન કરતા વધુ સમુદ્રી જીવનો ભોગ લેવાય છે.સોશિયલ મીડિયામાં પણ આપણે ઘણા એવા વિડીયો જોયા હશે અને તેને શેર પણ કર્યા હશે, જેમાં દરિયાઈ જીવોને પ્લાસ્ટીકને કારણે કે મોતના મુખમાં ધકેલાવું પડ્યું છે. વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટીકની થેલીઓમાંથી નીકળતા રસાયણ અંગે રિસર્ચ કરતા તેમને જાણવા મળ્યું છે કે આ રસાયણને લીધે બેક્ટેરિયાને વધવામાં અને ઓક્સિજન બનાવવામાં મુશ્કેલી પડી રહી છે. જે સારી વાત નથી કારણ કે બેક્ટેરિયા 10 ટકા જેટલું ઓક્સિજનનું ઉત્પાદન કરે છે અને તેના લીધે આપણે શ્વાસ લઈ શકીએ છે.
દરિયાઈ જીવો પર વાતાવરણમાં થઈ રહેલા બદલવાની પણ અસર જોવા મળી રહી છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે દરિયાનું તાપમાન વધવાને લીધે માછલીઓની સંખ્યા ઘટી રહી છે. 80 વર્ષોમાં માછલીની વસ્તીમાં આશરે 4.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 1930થી 2010 સુધી આશરે 1.4 મિલીયન મેટ્રીક ચન માછલીઓ પોતાનો જીવ ગુમાવી ચૂકી છે.

તો આજના દિવસે આપણે સંકલ્પ કરીએ કે બને એટલો ઓછો પ્લાસ્ટીકનો ઉપયોગ કરીએ અને જો દરિયાકિનારે અથવા દરિયામાં પ્લાસ્ટીકની કોઈ પણ વસ્તુ દેખાય તો તેને બહાર કાઢી કચરપેટીમાં નાખી દેશું.
