દર વર્ષે 19 ઓગષ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એ લોકોને સમર્પિત કરવામાં આવે છે, જેમણે ખાસ પળોની તસ્વીરોને કેમેરામાં કેદ કરી કાયમ માટે યાદગાર બનાવી દીધી છે. એક એવો સમય હતો જ્યારે લોકો પાસે કેમેરા નહોતા. લોકો ફોટો પડાવવા માટે ફોટોગ્રાફી સ્ટુડિયોમાં જતા હતા. પરંતુ આજે દરેક વ્યક્તિ પાસે કેમેરો છે અથવા તો સારી ક્વોલિટીવાળા કેમેરાવાળો ફોન છે, માટે લોકો કોઈ પણ સમયે ફોટો ક્લિક કરી શકે છે. શા માટે ફોટોગ્રાફી દિવસ મનાવવામાં આવે છે તેના ઈતિહાસમાં થોડુ ડોકિયું કરી લઈએ.
ફોટોગ્રાફી ડેનુ મહત્ત્વઃ

વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવાનું મુખ્ય કારણ જાગરૂકતા ઉતપન્ન કરવાનું છે. વિચારોને વ્યક્ત કરવા અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં લોકોને પોતાનું કરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટેનું છે. આ દિવસે માત્ર એ વ્યક્તિને યાદ કરવામાં આવે છે, જેણે આ ક્ષેત્રમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે અને આવનારી પેઢીને પણ પોતાનું કૌશલ બતાવવા માટે પ્રેરિત કરે છે.
ફોટોગ્રાફી ડે મનાવવા પાછળનું કારણ:

આ દિવસ ઉજવવા માટેની સ્ટોરી ઘણા વર્ષો જૂની છે. આજથી આશરે 181 વર્ષ પહેલા ઘટેલી એક ઘટના પછી તેને મનાવવામાં આવે છે. તેની શરૂઆત ફ્રાંસમાં 9 જાન્યુઆરી, 1839થી શરૂ થઈ છે. તે વખતે ડોગોરોટાઈપ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી, જેને દુનિયાની પહેલી ફોટોગ્રાફી પ્રક્રિયા માનવામાં આવે છે. આ પ્રક્રિયાની શોધ ફ્રાન્સના જોસેફ નાઈસકોર અને લુઈસ ડોગરે કરી હતી. 19 ઓગષ્ટ, 1839ના ફ્રાન્સની સરકારે આ શોધની જાહેરાત કરી હતી અને તેનું પેટન્ટ મેળવ્યું હતું. આ શોધની યાદમાં દર વર્ષે વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરવામાં આવે છે.
1839માં લેવામાં આવી હતી દુનિયાની પહેલી સેલ્ફી:

જ્યારથી મોબાઈલ ફોનમાં ફ્રન્ટ કેમેરાની સુવિધા આપવામાં આવી છે, ત્યારથી સેલ્ફીન શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. પરંતુ કહેવામાં આવે છે કે અમેરિકામાં ફોટોપ્રેમી રોબર્ટ કોર્નલિયસ એવા પહેલા વ્યક્તિ છે, જેમણે દુનિયાની પહેલી સેલ્ફી લીધી હતી. 1839માં લેવામાં આવેલા આ ફોટાને આગળ જતા સેલ્ફી તરીકે મનાવામાં આવશે. આજે પણ યુએસની લાઈબ્રેરી ઓફ કોંગ્રેસમાં આ ફોટાની પ્રિન્ટ તમને જોવા મળશે.
પહેલી વૈશ્વિક ઓનલાઈન ગેલેરી:

19 ઓગષ્ટ, 2010ના પહેલી વાશ્વિક ઓનલાઈન ગેલેરીની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસે ફોટોગ્રાફીના શોખીનો અથવા પ્રોફેશનલ માટે ઐતિહાસિક હતો કારણ કે આ દિવસે ભલે પહેલી વખત ઓનલાઈન ગેલેરી શરૂ કરવામાં આવી હતી પરંતુ તે ઉપરાંત, આ દિવસે 250થી વધુ ફોટોગ્રાફરોએ પોતાના ફોટાના માધ્યમથી પોતાના વિચારો કબીજા સાથે શેર કર્યા હતા અને 100થી વધુ દેશના લોકોએ આ ગેલેરીની મુલાકાત લીધી હતી.